top of page
Writer's pictureDr.Vijay Manu Patel

આપણે કઈ તરફ ?!

તમે સારા છો. તમે મજામાં છો. તમે સુંદર વાતો કરો છો. તમે જે કંઈ કરો છો તે અવનવું અને અદભુત હોય છે. તમે વાંચેલા આ વાક્યો ભાગ્યે જ સાંભળ્યા હશે, ખરું?! બીજાની સારી બાબતોને પ્રોત્સાહિત કરતા શબ્દો હવે ભાગ્યે જ આપણને પણ બોલવાનું મન થાય છે, સાચું ને? તમે મૌન થયા હશો. આપણે એવી દુનિયામાં સરી પડ્યા છીએ કે બીજાની સારી રીતભાત, વિચારો કે કાર્યોને માટે પ્રશંસારૂપ શબ્દો આપણા મુખે ઝટ આવતા જ નથી.

એટલું જ નહિ, આપણા પોતાના વ્યક્તિગત કે આંતરિક જીવન વિશે બીજા કોઈ જાણે એવું પણ ઇચ્છતા નથી! આપણને ‘તમે તમારું કામ કરો, હું મારું કામ કરું’ એમાં વધારે શ્રદ્ધા બેસી ગઈ છે. આપણી દુનિયા આવી એકાંગી શાને બની એ વિશેનું સમાધાન શોધવા માટે પણ કોઈની પાસે જવા આપણે તૈયાર નથી. માણસ માણસની સાથે સંવાદ ન કરશે તો પછી મનુષ્યનું સામાજીકરણ કેવી રીતે થશે અને ટકશે? અને જો એમ ન થશે તો પછી સમાજની સંકલ્પના પણ તૂટી પડશે એ નક્કી માનજો. જો કે આમ થવાનું નથી. કેમ કે, ધન-સંપત્તિનો વૈભવ કે શિક્ષણનો અતિરેક જ માણસને સુખમય બનાવતો નથી એને અન્ય સાથેના સંવાદ અને સહયોગથી જ પ્રસન્નતા મળે છે. તો આપણે સુધારો માત્ર મનના અહંકાર અને સંકુચિતતાના કોચલાને તોડવાનો છે. પાયાની વાત આ જ છે. આપણા રોજબરોજના જીવનમાં આપણી નજીકના માણસો સાથે મનમેળ સાધવાનો છે અને મુક્ત સંવાદને વ્યવહારમાં લાવવાનો છે. આ માટે શું કરવું પડે? એકબીજાને વધુ સારી રીતે સમજવા માટે, એકબીજાના મનોવ્યાપારનું બહેતર જ્ઞાન મેળવવું પડશે. સામેની વ્યક્તિની સારી બાબતો સ્વીકારવી પડશે. તેની અભિવ્યક્તિને સાંભળવી પડશે. અને દુઃખની સ્થિતિમાં તેના ખભે હાથ મૂકવાની હિંમત કેળવવી પડશે. જો આમ થશે તો ગેરસમજોને ખાસ અવકાશ રહેશે નહી. તેથી અન્યોના જીવનમાં ડોકિયું કરવાની આવશ્યકતા રહેશે. આ ક્રિયા વ્યક્તિ તરીકે આપણને સ્વયંમાં ડોકિયું કરવા પ્રેરિત કરશે. સમજો આત્મમંથનનું દ્વાર ઊઘડશે! સીધી અને સરળ વાત આટલી જ છે: તમે જેટલે અંશે તમારી જાતને ઓળખશો તેટલે અંશે બીજાઓને પણ સમજી શકશો. આપણા પોતાના આંતરિક અનુભવો વિશે આપણે જેટલા સભાન બનીશું તેટલા જ અન્યના આંતરિક અનુભવોને પણ સમજવા શક્તિમાન બનીશું. આપણે પોતાની જાતને પ્રેમ ન કરીશું, તેને ઓળખવાનો પ્રયત્ન ન કરીશું તો પછી પડોશીને ઓળખવામાં કે પ્રેમ કરવામાં સફળ થઈ શકશું ખરા? મુશ્કેલી એ છે કે આધુનિક સમાજ (આપણે) આત્મજ્ઞાન તરફ ભારે દુર્લક્ષ સેવે છે, તેથી અન્ય લોકોના આંતરિક જગતને જાણવા-સમજવાથી દૂર ભાગે છે.

વર્તમાનમાં દસમાંથી નવ વ્યક્તિઓ રોજબરોજની એકધારી જંજાળથી ગ્રસ્ત છે. એ પોતાની જાતને એમાંથી મુક્ત થવા યોગ-પ્રાણાયામ, શિબિર, ધ્યાન જેવી પ્રવૃત્તિ તરફ વાળે છે ત્યારે દુનિયા તેને ‘પલાયનવાદી’માં ખપાવે છે! આજે દરેકને એવી અધૂરપ સાલે છે કે તેને લાગે છે કે ડાહ્યા માણસો જ ક્યાં છે? પોતાની વાત સાંભળવા કોણ તૈયાર છે? સમાજકલ્યાણી નેતાઓ ક્યાં છે? આ પ્રશ્નોના જવાબો ન હોય તો વ્યક્તિના અને સમાજના ઉત્કર્ષની અપેક્ષા રાખવી કેટલી વ્યાજબી ઠરે? વળી, આપણે બહુધા ધર્મને ઉપરછલ્લો અપનાવી દીધો છે. આપણે લોકો તેના ‘સત્વ’ને ફેંકીને ધાર્મિક હોવાનું ઘમંડ લઈને ફરીએ છીએ. કેરીના રસને પીવાને બદલે છાલના સૌન્દર્યના ગુણગાન ગાતા થઈ ગયા છીએ! આપણને પોતાને સમજવામાં મદદ કરે, અન્ય લોકોને સમજવામાં જરૂર પડે તેવા ધર્મના પરિબળની કે તેના સાચા સ્વરૂપની આપણે અવગણના કરી છે. જીવનને સમજવા આત્મજ્ઞાન જરૂરી છે. તેથી આપણે એવા લોકોના જીવનનો અભ્યાસ કરવો જોઇએ, જેમણે પોતાની જાતને ‘ઊર્ધ્વ મન’ તરફ ગતિમાન કરી હોય. એ સંદર્ભમાં, જેકોબ લોર્બરની વાત જાણીએ. તેનો જન્મ ઓસ્ટ્રીયામાં 1800ની સાલમાં થયેલો. ઓર્ગન, પિયાનો અને વાયોલિન વગાડવામાં પારંગત હતો. પણ ઠેઠ ચાલીસ વર્ષની વયે તેને આ કૌશલ્ય બતાવવા માટેની નોકરીની તક મળી! એ પોતાનું ગામ છોડી નવી નોકરી સ્વીકારવા નીકળવાનો જ હતો તેવામાં એણે પોતાની ભીતર એક ખૂબ સ્પષ્ટ અવાજ સાંભળ્યો. અંતરના એ અવાજે એને આદેશ આપ્યો, ‘ઊઠ, કલમ લે અને લખવા માંડ!’ 15 માર્ચ 1840ના રોજ આ બન્યું. જેકોબ ગામમાં જ રહી પડ્યો અને અંતરનો અવાજ જે લખાવે તે 64 વર્ષની વયે તે મર્યો ત્યાં સુધી લખતો જ રહ્યો! આ ચોવીસ વર્ષ દરમિયાન તેણે 400 પાનાંનો એક એવા 25 ગ્રંથ લખ્યા. એ મૂળ હસ્તપ્રતો કદાચ આજે મોજૂદ હશે. એ એક ધારુ બિલકુલ સળંગ લખાણ છે. ભાગ્યે જ કોઇ સુધારા હશે. આ ચોવીસ વર્ષ દરમિયાન લેખનકાર્યમાં એ એટલો વ્યસ્ત હતો કે કમાવવા માટે તેની પાસે સમય જ નહોતો. એના મિત્રો જ એનું ગુજરાત ચલાવતા હતા! તેના ગ્રંથોની સામગ્રીમાં જે વ્યાપક ગહનતા અને ચોકસાઈ હતી તે માટે કોઈ બુદ્ધિગમ્ય ખુલાસો નથી જેકોબ કહેતો કે આમાંનું કશું જ એના પોતાના મગજમાંથી નીકળ્યું નથી અને તે વિશે પોતે પણ બીજાઓ જેટલી જ તાજ્જુબી અનુભવતો હતો. અન્ય લોકોના આંતરિક જગતમાં શું ચાલી રહ્યું છે તે જેકોબનું જીવન જાણીએ-સમજીએ તો જ ખબર પડે. ને આવું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણી પાસે સીધો કોઈ માર્ગ નથી. પોતાની ભીતરનું જ્ઞાન મેળવી શકાય, બીજાની ભીતરનું જ્ઞાન કેવી રીતે મેળવાય? એ તો આત્મજ્ઞાન મારફત જ શક્ય બનશે. તેથી આત્મજ્ઞાનની ખોજમાં લાગેલો માણસ સમાજની વિમુખ થઈ ગયો છે એમ માનવું એ ખોટું છે. તેને બદલે ઊલટાનું એવું બની શકે કે જે માણસ આત્મજ્ઞાન ખોઈ બેઠો હોય તે જ કદાચ સમાજ માટે ખતરારૂપ નીવડે. કેમ કે બીજા લોકો જે કંઈ કહેશે કે કરશે તે વિશે એ હંમેશા ગેરસમજ કર્યા કરશે!! જે પોતાના અને અન્યના આંતરિક જગતને સમજી શકે કે અનુભવી શકે છે તેવા શિક્ષકો પણ કઈંક અંશે અધ્યાત્મના રંગે રંગાયેલા હોય છે. શ્રી જે કૃષ્ણમૂર્તિ કહે છે કે આવો શિક્ષક પોતાની જે અનંત શક્તિ છે તેની તેણે પહેચાન કરેલી હોય છે અને તેથી એવું જ્ઞાન આપવા સક્ષમ હોય છે જે અન્યને પોતાના પ્રકાશને પામવાના સાધનો શોધવામાં મદદરૂપ થાય. આધુનિક જગતમાં આવા માણસો તો ઠીક, શિક્ષકો પણ શોધવા દુર્લભ છે. જો કે શ્રી અરવિંદ, શ્રી હરિ ઓમ મોટા અને શ્રી રંગ અવધૂતજી આ ત્રણેય મહાપુરુષો એક સમયે શિક્ષક કે અધ્યાપક હતા જ પરંતુ પાછળથી તેઓ આતમોલબ્ધિની સાધનામાં જોડાયા હતા. સારાંશમાં, સમાજમાં ઐક્ય સ્થાપવા માટે માણસોએ એકમેકના અંતરમાં ઊતરવું પડે. પણ એ પહેલા વ્યક્તિએ સ્વયંનું જ્ઞાન મેળવવું પડે. અંતરમાં જ્યારે પ્રગાઢ શાંતિ અને સ્વસ્થતા વ્યાપે ત્યારે આત્મજ્ઞાન પાંગરે છે. આમ થશે પછી અન્યો સાથેનું આપણું વર્તન જરૂર બદલાશે.

17 views0 comments

Comments


bottom of page