top of page
Writer's pictureDr.Vijay Manu Patel

કશુંક બદલવાની તક છે, ઝડપી લો!

એક સારસ્વત મિત્રએ નિ:સાસો નાખ્યો બહુ ખરાબ સમય ગયો, શું કરવું તે સમજાયું નહીં ને જે કરવા જેવું હતું તે થયું નહીં! એમનો મતલબ કદાચ માણસો વચ્ચેનો સંપર્ક કે સંવાદ સાવ શૂન્યવત્ થઈ ગયાનો રંજ હશે. ક્યાં તો કોઈ સ્વજન ગુમાવ્યાનોનું દુઃખ હશે. બીજી તરફ સામાન્ય મજૂરી કરનાર વ્યક્તિના ઉદગાર હતા: કામ જતું રહ્યું છે, પણ ઘરવાળી અને બાળકો સાથે વાતો કરવાની અને ગમ્મત કરવાની મજા પડી! એનો મતલબ કોરોનાએ સ્થગિત કરેલી જિંદગીમાં નજીકની વ્યક્તિ સાથે સંવાદ કે સંપર્ક બની રહ્યો હોવાની પ્રસન્નતા હતી. આ બંને પરિસ્થિતિ આપણી આસપાસની જ છે એમ સમજી લેજો. જો બદલાવું એ પ્રકૃતિનો નિયમ હોય તો માણસને પરિવર્તન કઠે શા માટે છે?

શિક્ષણ વ્યવસ્થામાં પણ આવા જ બે વિરોધી સૂરો ધરબાયેલા છે. એક વર્ગ એવું માને છે કે કશું ન કરવામાં મજા પડી, અને બીજી તરફ કેટલાકને પોતાની આકાંક્ષા-અરમાનો અધૂરા રહી ગયા હોય એવી અધૂરપ સતાવી રહી છે. આ બંનેમાં શિક્ષણ જગતના આચાર્યો, શિક્ષકો, સંચાલકો, કેળવણીકારો, સમીક્ષકો, વાલીઓ અને સરકાર કઈ બાજુ છે એમ વિચારવું નિરર્થક છે. કેમ કે બંને તરફ આવા લોકો રહેવાના જ. સરકારની વાત કરીએ તો તેને અભ્યાસક્રમ વિના જ વિદ્યાર્થીઓને ઉપલા ધોરણમાં ચઢાવી દેવાની, કામ વિના પગાર ચૂકવવાની કે પોતાના પ્રોજેક્ટ પર પાણી ફરી વળ્યાંનો વસવસો જરૂર છે. પણ બીજી તરફ નવી વ્યવસ્થા, નવા માળખા અને નવી પદ્ધતિઓને અમલમાં મૂકી દેવાનો મોટો અવસર પણ મળ્યો છે. આવનારા સમયમાં જે પરિવર્તનનો નવો વિચાર આવ્યો છે તે અને તેના જેવા અન્યને અમલમાં લાવી દેવાની તક સરકાર પાસે છે. કઈ છે આવી તકો?

એક, નવી શિક્ષણ નીતિના અમુક કાર્યોનો અમલ શરૂ કરી દેવાની તક. જેમ કે નવી શિક્ષણ નીતિ મુજબના અભ્યાસક્રમોની રચના માટે જે-તે તજજ્ઞોની શોધ કરી તેમની સાથે વિચાર વિમર્શ કરી નવા પાઠ્યપુસ્તકો તૈયાર કરવાની કામગીરી. આમાં વર્ક ફ્રોમ હોમ પણ થઇ શકે છે. તેથી વારંવાર પ્રત્યક્ષ મુલાકાતની જરૂર નથી અને જરૂર હોય તો પણ તે ભૌગોલિક અંતર અને માસ્ક દ્વારા સુરક્ષિત રીતે થઈ શકે છે.

બીજુ, ખાનગી ટ્યૂશન પ્રથા અને ખાનગી શાળાઓ બંનેની એક સાથે જરૂર ખરી? જો ધોરણ 10 પછી ખાનગી કોચિંગ વર્ગોને પણ પરીક્ષાના આવેદનપત્રો કરવાની છૂટ આપી દેવાય તો? શિક્ષણ સંસ્થાઓ ટ્રસ્ટના કાયદા હેઠળ જ રચાય છે તેની પાછળ માલિકીપણામાંથી દૂર રહેવાનો આદર્શ છે. પણ હવે જ્યારે સ્વનિર્ભર શાળાઓ(ખાનગી સંસ્થાઓ)નો યુગ શરૂ થયો છે તો પછી સરકાર ટ્રસ્ટનો આદર્શ છોડી ન શકે? ટ્રસ્ટના નામે ખાનગી શાળાઓ સહાનુભૂતિ કે છૂટછાટો મેળવીને ધંધાદારી એકમો બનતા હોય તો સરકારે આવી સંસ્થાઓને ટ્રસ્ટ હેઠળ શા માટે પંપાળવી જોઈએ? પરિવર્તનની આ નવી તક બાબતે સરકાર અચૂક વિચારી જુએ.

ઉપરાંત, શિક્ષણમાં જે સાવ ખૂટતી કડી રહી છે તે સામાજીક સેવાને પ્રવૃત્તિ કે ઈન્ટરશિપના અભાવની છે. હવેથી નવી શરૂઆતમાં સમાજ પ્રત્યે કેટલાક ફરજિયાત સેવા કાર્યો કે પ્રવૃત્તિઓને માધ્યમિક શાળાના અને કોલેજના વિદ્યાર્થીઓને સોંપવામાં આવે તો? શોપિંગ મોલ, બસ સ્ટેશન, હોસ્પિટલ્સ, હોટેલ્સ, રેલવે સ્ટેશન, બજાર, મહાનગરપાલિકા, ટ્રાફિક કચેરી, કલેકટર કચેરી, કોર્ટ વગેરે અનેક ક્ષેત્રે આવી કામગીરી પ્રત્યક્ષ અનુભવથી શાળા કે કોલેજના સમયગાળા દરમિયાન જ વિદ્યાર્થીઓને ઓછામાં ઓછી બે વખત મળે તેવું આયોજન શૈક્ષણિક સંસ્થા અને વાલીઓ સાથે સરકાર શા માટે ન વિચારે?

જેમ સરકાર નવી તકોનો અમલ કરી શકે કેમ કોઈ પણ વ્યક્તિ પોતાના અંગત જીવનમાં પણ એક નવી શરૂઆત કરી જ શકે છે. અને કરવી જોઈએ! કોરોનાએ માત્ર ચિંતા અને ઉપાધિ જ નથી આપી પણ અનેક તકો પણ આપી છે. જેમ કે સાઇકલ ચલાવવાની કે ઘરમાં અમુક રસોઈ શીખી લેવાની! આ ઉપરાંત નવો વ્યવસાય, નવું ઉત્પાદન, નવા શોખ અને નવી આવડતો કેળવવાની તકો પણ ઘણી વધી જ છે. અને હા, આરોગ્ય બાબતે નવી શરૂઆત કરવી એને નકામું મૂડીરોકાણ ગણીશું?

એક યુવાન, ખેડૂતની સુંદર પુત્રી સાથે લગ્ન કરવા માંગતો હતો. ખેડૂત સંમત થયો, પણ તેની શરત હતી કે સૌથી પહેલા એ યુવકે તેના ત્રણ બળદમાંથી કોઈપણ એક પર તેની પૂંછડીને પકડીને સવાર થવાનું હતું. આ કામ કઇંક અંશે તેને સરળ અને અંકુશિત લાગ્યું એટલે યુવક ખુશખુશાલ હતો. તે શરત માટે તૈયાર થયો અને આગળ વધ્યો.

તેણે પ્રથમ બળદને એટલા માટે છોડી દીધો કે તે કદમાં વિશાળ હતો. તે આગળ ચાલ્યો. તેણે બીજો બળદ પણ છોડી દીધો, કારણ કે તે પહેલા કરતા મોટો હતો. ત્રીજો બળદ પાતળો હતો તેથી તે જોઈને તે ખુશ થયો અને સટાક દઈને તેની પીઠ પર ચઢી ગયો, પણ પૂંછડી તપાસવાનું ભૂલી ગયો! એ ત્રીજા બળદને પૂછડી જ ન હતી! હવે શું? તે ખેડૂતની પુત્રી સાથે લગ્ન કરવાની તક ગુમાવી ચૂક્યો હતો. કથાનો મર્મ એ જ કે તક ઝડપી લેવી એનો મતલબ ઉતાવળ કરવી એવો નહીં.

રિચાર્ડ બ્રાન્સન મૂળરૂપે એક પત્રકાર અને સંપાદક બનવા માંગતા હતા. પરંતુ તેને ઝડપથી સમજાયું કે તેણે પોતાનાં સામયિકને તરતું (પ્રચલિત) રાખવા માટે ઉદ્યમી બનવાનું શીખવું પડશે. બસ, ત્યારથી, બ્રાન્સન, તક કેવી રીતે શોધવી તે જાણનારા ઉદ્યોગપતિ બન્યા. હકીકતમાં, રિચાર્ડ બ્રાન્સન ક્યારેય કંઈક નવું બનાવવાની કોશિશ નહોતા કરતાં પણ અર્થપૂર્ણ રીતે જે પહેલાથી અસ્તિત્વમાં હતું તેના પર સુધારણા કરવાની તકો શોધતા હતા!

એવી જ વાત છે થોમસ એડિસનની. તેમણે એક વાર કહ્યું હતું કે, "હું નિષ્ફળ ગયો નથી. મને હમણાં જ 10,000 રસ્તાઓ મળ્યાં છે જે કામ કામ કરતાં નથી!!" મતલબ તેણે નિષ્ફળતાને અટકવાના સંકેત તરીકે જોયા નહીં, પરંતુ ચાલુ રાખવાની નિશાની તરીકે જોઈ. એડિસન સમજી ગયા કે તેમની દરેક શોધ તેની ઇચ્છિત સફળતા બનાવવા અને ટકાવી રાખવાની સંભાવના હતી, તેથી તેમણે ભૂતકાળમાં કામ કરવાનું, પડકારજનક અને નવા વિચારોને આગળ ધપાવવાનું ચાલુ જ રાખ્યું હતું. જ્યારે ઘણા લોકો તે છોડીને ચાલ્યા જતા હોય છે. ટૂંકમાં, તક હંમેશાં પોતાને સૌથી સહેલા વિકલ્પ તરીકે રજૂ કરતી નથી. પરંતુ કેટલીકવાર તે જેઓ કામ કરતા રહે છે તેમને ઈનામ રૂપે વિકલ્પ આપે છે!

આખી દુનિયા કોરોના મહામારીમાં અસ્તવ્યસ્ત થઈ ગઈ છે એ ખરું, પણ એમાંથી કઇંક નવું પણ થયું છે. યાદ રાખજો, તકો જુદા જુદા વેશમાં આવે છે, તેથી આપણી પાસે તેમને ઓળખવાની ક્ષમતાની જરૂર છે. એ ખરું કે બધાને સરખી તકો મળતી નથી. છતાં વધુ દુ: ખદ બાબત એ છે કે જ્યારે તે આપણા માર્ગ પર આવે છે ત્યારે આપણે તેને ઓળખવામાં કે પછી તેનો અસરકારક રીતે ઉપયોગ કરવામાં નિષ્ફળ જઈએ છીએ. એટલે અંતે, વિન્સ્ટન ચર્ચિલના આ વિચાર સાથે સમાપન કરીએ: નિરાશાવાદી દરેક તકમાં મુશ્કેલી જુએ છે; આશાવાદી દરેક મુશ્કેલીમાં તક જુએ છે.

105 views0 comments

Recent Posts

See All

Comments


bottom of page