અચાનક પુરપાટ દોડતું વિશ્વ થંભી જાય તો કેવું લાગે? સાવ અજુગતું જ વળી, ખરું ને? તેવામાં વળી માણસો વચ્ચે વધી રહેલા વૈમનસ્ય અને સંઘર્ષમાં કોરોના વાયરસે બ્રેક મારી છે કે તેને બહેકાવ્યો છે એવું વિચારવું સમયોચિત ગણાય વિશ્વના સંદર્ભમાં તપાસીએ તો શસ્ત્રોથી પોતાને તાકતવર માનનારા દેશો ક્યાં તો લડવા માટે કૂદી પડ્યા છે કયાં તો એકમેક સામે ઘુરકિયાં કરી રહ્યા છે. આવા દેશો પોતાની આંતરિક શાંતિ ખોઈ બેઠા હોય એટલે બહાર જુદો દેખાડો કરતા હોય એવુંયે બને!
કોરોના જેવી વૈશ્વિક આપત્તિ સામે વિશ્વ માનવીઓએ એક થઈને તેની સામે લડવાને બદલે જમીન પચાવી પાડવાના ખેલ માટે તેઓ સામે થઈ રહ્યા છે. જે દેશો શાંતિ અને ભાઈચારામાં માનનારા હતા તેને દબોચી લેવા આસપાસના પડોશીઓ સૈન્ય તાકાતના જોરે દાવ લગાવી રહ્યા છે. તો શું આવા સનકીનેતાઓના મગજ કોરોના વાયરસે બગાડી નાખ્યા છે? દુનિયાના રાજા થવા કે સાબિત કરવા નીકળી પડનારા આ નેતાઓ નવા વર્ષમાં દુનિયાને હજીયે વધારે ઊંધી પાડે એવું તો નહીં કરે ને?
મનનો આવો સંશય સાચો પડે અને ન પણ પડે. એના વિશે એક સામાન્ય માનવી તો ‘નસીબની બલિહારી’ સિવાય કશું જ નહીં વિચારી શકે. પણ વિશ્વના વિચારકો, ચિંતકો અને ધર્મ ગુરુઓનો સામાન્ય સંદેશ એ જ છે કે ‘હકારાત્મક બનો અને નકારાત્મક વિચારથી બચો.’ એટલે નવા વર્ષની શરૂઆતમાં આ કોલમમાં નેતાઓને બદલે સામાન્ય વ્યક્તિના સંદર્ભમાં અને એમના વિશે જ વાત કરીએ.
સોલોમન નામના એક ચિંતકનો વિચાર છે કે મનુષ્ય પોતાના મનમાં જેવો ભાવ રાખે છે, રોજ જેના વિશે વિચારે છે તેવું જ તે મેળવે છે. દરેક વિચાર તેના મનમાં સૂક્ષ્મ કેન્દ્રનું નિર્માણ કરે છે. બાઇબલમાં આવા જ વિચારોની પ્રસ્તુતિ આ રીતે થઈ છે: According to your faith, de it unto you. અર્થાત્ જે બાબતે તમને સક્રિય વિશ્વાસ છે તેટલા પૂરતાં જ તમે ‘તમે’ હોવ છો. મતલબ કે સારા અને ઉચ્ચ વિચારોમાં જ જીવન નિર્માણની શક્તિ છે.
બીજા એક વિચારક વિલિયમ લેન ફિલિપ્સ શું કહે છે તે વાંચો. જ્યારે મનુષ્ય વૃદ્ધ થવા માંડે છે ત્યારે તે એકાંતમાં બેસીને ભવિષ્ય કરતા ભૂતકાળ વિશે વધારે વિચાર કરવા માંડે છે. જો તે ભવિષ્યને બદલે જૂની યાદો, વાતો અને મિલન-મુલાકાતોને જ યાદ કરશે તો સમજી લેવું કે તે વૃદ્ધત્વ તરફ જઈ રહ્યો છે. વૃદ્ધત્વને ભગાડવાના ઉપાયોની વર્ષો સુધી શોધમાં ભટક્તા અને ઠોકરખાતા મને લાગ્યું કે તેની ચિંતા કરવાથી તે દૂર થશે જ નહીં. મનમાં એવો સંકલ્પ રાખો કે હું અત્યારે વૃદ્ધ નથી થયો. એને બદલે યુવાનીના સુખી સપનાઓને યાદ કરો. આમ, આપણે જેવી માનસિક અભિલાષા સેવીશું તેવો જ અનુભવ આપણને પ્રાપ્ત થશે.
આવનારા સમય(વર્ષ)માં વૈશ્વિક મહામારીમાંથી આપણને ક્યારે છુટી મળશે એની ખબર નથી પણ શરીર-મન સાથે જોડાયેલી ઘટના કે પરિસ્થિતિઓ જેવી કે પ્રસન્નતા, માંદગી, મૃત્યુ, ચિંતા, રોમાંચ, તંદુરસ્તી વગેરે અટકવાના નથી એ યાદ રાખજો. એટલે વાચકોને આ લેખમાં એક મહત્વની સલાહ એ જ આપવી છે કે આરોગ્ય જાળવણીમાં કચાસ ન રાખશો. આ કોરોનાકાળમાં કેટલાયે સરકારી કે ખાનગી કર્મચારીઓ પોતાની નોકરીમાંથી નિવૃત્ત થઈ ગયા છે. તેઓ હવે સુખી થઈ ગયા કે ચિંતામુક્ત થઈ ગયાનો છૂપો સંતોષ અનુભવી રહ્યા હશે. તેમને માટે એક પ્રસંગ કે દૃશ્યની પ્રસ્તુતિ કરું.
અઠ્ઠાવન વર્ષની વય નિવૃત્તિ પછી હસમુખભાઈ સરકારી બંધનોમાંથી મુક્ત થયા હતા ત્યારે તેઓ બોલ્યા હતા કે, હાશ હવે કોઈ ચિંતા નથી. આનંદથી રહીશું, યોગ પ્રાણાયમ બધું કરીશું! થોડા દિવસો પછી પેન્શન શરૂ થયું. કામમાંથી તો મુક્તિ હતી. કહો કે ફુરસદ જ ફુરસદ હતી. બે ચાર માસ તો મુક્તિનો આનંદ ઉઠાવ્યો, પણ પછી સ્વાસ્થ્યની સમસ્યા શરૂ થઈ હતી. શરૂઆતમાં આજુબાજુની દુકાનો, મિત્રો અને સોસાયટીની મંડળીમાં બેસીને સમય પસાર કર્યો. પણ આવું ક્યાં સુધી?
ધીમે ધીમે નવરાધૂપ બેસીને કંટાળ્યા. શરીર નબળું થયું. થોડા સમય બાદ પથારીવશ થયા! જે વ્યક્તિ થોડા મહિનાઓ પહેલા આઠ કલાક કામ કરતી હતી તે હવે પથારી પર હતી. તેમણે સુતા સુતા વિચાર્યું કે આં નિવૃત્તિ પછી કામ વિનાની જે રખડપટ્ટી કરી તેનાથી જ અહીં આવ્યો છે. જ્યાં સુધી શરીર ચાલે ત્યાં સુધી કંઈ ને કંઈ તો કરવું જ જોઈએ અને પછી એમણે પોતાની જુની ઓફિસમાં જ નજીવા વેતનથી કામ મેળવી લીધું. વેતન નજીવું હતું, પણ શરીર કામ કરતું થઈ ગયું! સમજો કે તેણે પોતાની આપવીતી આ રીતે કહી હશે:
હું દવા-દારૂ કરતા પણ કામને માનવીની સૌથી મોટી જડીબુટ્ટી માનુ છું. જે લાભ કીમતી દવાઓ નથી કરી શકતી તે કામમાં રોકાયેલા રહેવાથી શક્ય બને છે. પ્રવૃત્તિથી જ જીવન અને તંદુરસ્તી વધે છે, એટલે તંદુરસ્ત અને દીર્ઘાયુ બનવું હોય તો જીવનની અંતિમ ક્ષણ સુધી પ્રવૃત્ત રહેજો. આ વાત અથર્વવેદમાં अश्मानम तन्वं कृधि (શરીરને પથ્થર જેવું સુંદર બનાવો) દ્વારા કહેવાઇ છે.
શરીર અને વર્તન મનોવૈજ્ઞાનિક ઇવાન પાવલોવ લખે છે કે સામાન્ય પ્રકારનું કામ કરનાર ક્લાર્ક 70 વર્ષ સુધી સારી રીતે કામ કરતો રહે છે, પરંતુ જેવો તે નિવૃત્ત થાય છે કે જીવનમાં મુશ્કેલીનો અનુભવ કરવા માંડે છે! શિક્ષણ જગતમાં જે આચાર્યો, શિક્ષકો, કારકુનો કે સેવક ભાઈ-બહેનો નિવૃત્ત થયા છે તેઓને આજનો આ લેખ સમર્પિત છે. નવા વર્ષમાં કેમ જીવવું એનો નિર્ણય કરવામાં એમને અને અન્ય નિવૃત કર્મચારીઓને પણ ઉપયોગી નીવડશે એ નક્કી છે.
વર્તમાન પરિસ્થિતિમાં શરીર અને મનને જ સૌથી વધુ અસર પહોંચી છે. કામકાજ ઠપ્પ થયા હોય એટલે શારીરિક પ્રવૃત્તિઓ મંદ પડી, જેની લાંબાગાળાની અસર માનસિક સ્વાસ્થ્ય પર પણ પડી છે. આવા સંજોગોમાં વિષાદ ઉદભવે એ સ્વાભાવિક છે. પરંતુ એમાં જ જીવન વ્યતિત કરી દેવું એ ઉપાય નથી જ. દરેક નવી સવાર નવી આશાઓ, તકો અને ઊર્જા લાવે છે એ ન ભૂલો. એટલે બીજા બધા નવા સંકલ્પો જરૂર કરજો, પણ આહાર-વિહારનું સંતુલન જાળવવાનું સંકલ્પ તો રાખજો જ.
બસ, તો વિવેકાનંદના આ વિચાર સાથે સમાપ્ત કરીએ: ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો!!
Nice
Nice