થોડા વર્ષો પૂર્વે, પોતાની જાતને શિક્ષિત કરવી એટલે શાળાકીય શિક્ષણ પૂરું કરી દેવું અને પછી કોઈ કામ માટે જોડાઈ જવું એમ માનવામાં આવતું હતું. પરંતુ સમય બદલાયો અને હવે શિક્ષણ એ વ્યક્તિનો સર્વાંગી વિકાસ બન્યું છે. આને પરિણામે શિક્ષણમાં કઇંક અંશે ‘સાહસ’ પેદા થયું છે. જી હા મતલબ કે એવા ક્ષેત્રો કે અભ્યાસક્રમોની શોધ થઈ રાહી છે જે વિદ્યાર્થીઓમાં સાહસિકતા પેદા કરે, અડગ નિર્ણય ક્ષમતા અને આત્મવિશ્વાસની રજૂઆત જન્માવે.
આ સંદર્ભમાં જ ઘણી ખાનગી એજન્સીઓ વિદ્યાર્થીઓને પ્રવૃત્ત રાખે તેવા આંતર અને બાહ્ય કાર્યક્રમોનું આયોજન વિચારી રહી છે. એમાં બહારના સ્થળે રહેવાનું હોય, ત્યાં એકબીજા સાથે વૈચારિક આદાન પ્રદાન કરવાનું હોય અને શારીરિક પ્રવૃત્તિઓ કરવાની હોય જેથી ભવિષ્યના કોઈ પણ પડકારો સામે તેઓ તૈયાર થાય. સાવ અજુગતું લાગે તેવી વાત છે નહીં? અત્યાર સુધી આપણો એવી શિક્ષણ વ્યવસ્થામાં જ રોકાયેલા રહ્યા હતા જ્યાં પુસ્તકીય જ્ઞાન માહિતીને જ ભરી લેવાની વાત હતી. પરંતુ હવે પશ્ચિમી વિકસિત દેશોનો પ્રભાવ સમગ્ર શિક્ષણ વ્યવસ્થામાં ધીમે ધીમે આવી રહ્યો છે.
ઓશોના મતે વ્યક્તિને મૃત્યુનો ભય છે એમ કહેવા કરતાં જે વ્યક્તિ ભયભીત છે ત્યાં મૃત્યુ છે એમ કહેવું યોગ્ય છે. વિદ્યાર્થીઓને નિર્ભય બનાવે તેવી વાતો પાઠ્યપુસ્તકમાં મુકાય છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિનો અનુભવ શાળા શિક્ષણમાં ક્યાંય હોતો જ નથી. પરિણામે ભયમુક્ત વાતાવરણની વાતો કે ઉદાહરણો માત્ર પરીક્ષા પૂરતા જ સીમિત રહી જાય છે. શાળા કે કોલેજમાં શિક્ષણ પૂર્ણ થયા પછી પણ આપણા યુવાનો સાહસિક બની શકતા નથી. નોકરી કે સ્વતંત્ર વ્યવસાય બાબતે નિર્ણય લેવામાં પણ તેઓ મા-બાપ કે વડીલોનો સાથ જ શોધતા હોય છે!
ખરી કચાશ આપણે ત્યાં રમતો અને તેની પસંદગીમાં રહેલી જણાય છે. આપણે ઘણી ખરી રમતોમાં માત્ર મનોરંજન અને સરળતાને જ ધ્યાનમાં લેવામાં આવે છે. જેમાં સાહસ હોય, હિંમતની જરૂર પડે, આકરી કસોટી થાય એવી રમતો (જેવી કે ઘોડે સવારી, ઊંચા કુદકા, રાફ્ટિંગ, ફાસ્ટ સાયકલિંગ વગેરે જેવી રમતો) ને ભાગ્યે જ પ્રોત્સાહન મળે છે. તેને બદલે ક્રિકે, ફૂટબોલ, વોલીબોલ, ચેસ જેવી ઓછી સાહસિક, સરળ અને ઓછી શારીરિક તકલીફ આપનારી રમતોમાં જ બાળપણ અને યુવાની વીતી જાય છે! આવા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ઉદ્યોગ સાહસિક બની શકે ખરા? મનોરંજનના કે ધાર્મિક પ્રવાસો યોજી કાઢીએ છીએ પણ ટ્રેકિંગ, રોક ક્લાઈમ્બિંગ, રિવર ક્રોસિંગ જેવી પ્રવૃત્તિવાળા શાળા પ્રવાસો કેટલા હોય છે?
ટેક્નોલોજીના જમાનામાં અન્ય દેશોની શાળાઓમાં શું થઈ રહ્યું છે તેની આસાનીથી જાણકારી કે માહિતી મેળવી શકીએ છીએ ત્યારે શિક્ષણના વ્યવસાયીકરણની દિશામાં વિચારવું જોઈએ. સાહસનું શિક્ષણ એક નવા ક્ષેત્ર તરીકે વિકસે એ વિશે વિચાર મંથન થવું જોઈએ. ધંધાદારી સફળતા કે શ્રેષ્ઠતા માટેની તાલીમનું ક્ષેત્ર હકીકતમાં સાહસના શિક્ષણમાં જ રહેલું છે. નેતૃત્વ, જૂથ રચના, સમસ્યા ઉકેલ અને ત્વરિત નિર્ણય શક્તિનો વિકાસ સાહસિક પ્રવૃત્તિ વિના શક્ય નથી. ઘરમાં બેસીને હિમાલયની ટોચને જોઈ શકાય પણ હિમાલયને માણવા માટે ઘરમાંથી બહાર નીકળીને તેના ખોળા (ખીણ) સુધી તો પહોંચવું જ પડે!
થોમસ ઇલિયટનો એક વિચાર અહીં પ્રસ્તુત જણાય છે: જીવનમાં બે જ પ્રકારની વ્યક્તિ નિષ્ફળ જાય છે એક તો જે વિચારે છે પણ કરતા નથી, અને બીજા જે કરે છે પરંતુ વિચારતા નથી! આમ તો આ વિચાર વિચારવા સાથે સંકળાયેલ જણાય છે, પરંતુ ગર્ભિત રીતે અમલમાં મૂકવાની ‘નાહિંમત’ને પણ ઉજાગર કરે છે. માત્ર વિચારવું એ જ શિક્ષણ નથી સાથે વિચારને અમલમાં મૂકી શકાય તેવી સાહસિકતા શીખવે અને અપનાવાય તેવું શિક્ષણ જોઈએ. દેશમાં ઉત્તમ નિયોજકો પેદા થાય તે કોને ન ગમે? પરંતુ તેને માટે શાળા-કોલેજોમાં ‘ડર’ ભગાડીને ‘સાહસ’ પેદા કરવાની પ્રવૃત્તિ અને શિક્ષણ માટે કશું વિચારાય છે ખરું? સંભવતઃ નથી જ. તેથી હવે એ દિશામાં વિચારાય એ સમયની માંગ ગણાશે.
આમ તો બધામાં જ ઉદ્યોગ સાહસિકતા શીખવાની તમન્ના હોતી નથી, અને એ જરૂરી પણ નથી છતાં સાહસનો ગુણ તો જીવનના દરેક તબક્કે કામ લાગે તેવો છે. પોતાનામાં અને સમાજ કે દેશમાં પરિવર્તન લાવવું હોય તો સાહસ વિના સિદ્ધિ નથી! ભારતીય સામાજિક ઢાંચામાં જ સત્ય, અહિંસા અને શ્રમ જેવા ગુણો કે મૂલ્યોને વધુ મહત્વ અપાયું છે. જ્યારે શોર્ય, વીરતા, પરાક્રમ, સાહસ, ખુમારી જેવા ગુણો કે મૂલ્યોને બહુધા નેપથ્યેમાં જ રાખવામાં આવ્યા છે. અહીં ગુણો કે મૂલ્યો વચ્ચે સરખામણી કરવાનો આશય નથી, પણ પડદા પાછળ રહી ગયેલા સાહસ, પરાક્રમ કે ખુમારીના અભિગમને પુનઃ સક્રિય કરવાનું આહ્વાન છે.
વર્ગખંડોમાં ભલે આ બધું સૈદ્ધાંતિક રીતે શીખવાતું હોય પણ હવે તેને વર્ગખંડોની બહાર લાવવું જોઈએ. પહાડોને સર કરનારા તેનસિંગ, બચેન્દ્રી પાલ કે અન્ય સાહસિકોની વાતો જાણીએ, એ તો ખરું પણ શાળા-કોલેજો વિદ્યાર્થીઓને ઊંચી ટેકરીઓ કે પહાડો પર ચડવા-ઊતરવાનો પ્રયત્ન કરાવે કે પ્રત્યક્ષ અનુભવ આપે તેની જરૂર છે. આપણે સપાટ રસ્તાથી દૂર ઉબડખાબડ રસ્તા ઉપર સાયકલ ચલાવવાનું ક્યારે શીખવીશું? ટેકનોલોજીથી બધું જ મુઠ્ઠીમાં કે હથેળીમાં આવી ગયું હોય તો એની ખુશી હોય તો વાસ્તવિક અનુભવો અને વાતાવરણથી દૂર થવાનો રંજ પણ આપણને લાગવો જોઈએ. ઘરની અગાસીના પગથિયા ચડવામાં આનાકાની કરનારા વિદ્યાર્થીઓ ઝાડ પર ચડવાનું સાહસ બતાવી શકશે?
શિક્ષણ પોતે પરિવર્તનનું સાધન છે એવું બોલતા રહીએ છીએ પરંતુ તેને જ બદલવાનું કોણ વિચાર છે? આપણે શિક્ષણ એટલે શાળા શિક્ષણ, અને શાળા શિક્ષણ એટલે વર્ગખંડ શિક્ષણ એવા સીમિત અર્થને જ સ્વીકારી લીધો છે એટલે શાળા બહાર શિક્ષણની પ્રક્રિયા થાય એ વાત જ મગજમાં આવતી નથી. સાહસનું શિક્ષણ વર્ગખંડમાં નહીં તેની બહાર જ પાંગરી શકે છે. આવા સંજોગોમાં આવનારા સમયમાં વિદ્યાર્થીઓમાં સાહસિક પ્રવૃત્તિઓ, રમતો, સ્પર્ધાઓ તરફનું આકર્ષણ વધે તે માટે માત્ર શાળા-કોલેજોએ જ નહીં પરંતુ વાલીઓએ પણ વિચારવું પડશે અને તે માટે હિંમત દાખવવી પડશે.
વર્તમાન વૈધિક શિક્ષણમાં ફેરફાર લાવતી નવી શિક્ષણ નીતિની જાહેરાત થઇ છે અને આવનારા વર્ષોમાં તે અમલમાં મુકાશે ત્યારે તેમાં આવા સાહસલક્ષી શિક્ષણની પ્રવૃત્તિઓ વિશે કેટલો અવકાશ અને અમલીકૃત થશે તે બાબતે મનોમંથન કરવાની જરૂર છે. જો ડર ગયા વો મર ગયા કે સાહસ વિના સિદ્ધિ નહીં જેવી કહેવતો ભણી ભણીને પણ આગલી પેઢી તો ડરપોક જ રહી ગઈ છે. દુનિયાની સામે ટક્કર લેવા માટેના અઘરા અને પડકારજનક નિર્ણયો માટે મોટાભાગના ભારતવાસીઓ હજીયે ગભરુ અવસ્થામાં જ છે.
આ માટે શરૂઆત કોણે અને ક્યારે કરવી એમ વિચારવાનું નથી. બસ, તમે જ એની શરૂઆત કરી દો ને!? ઘરમાં સંતાનોને દાદર પર ચડવા દો. શાળામાં વિદ્યાર્થીઓને દોરડા પર ચડવાની રમતો રમાડો. આવી નાની નાની શરૂઆત વિદ્યાર્થીઓને માટે વિચારો. ઘર થી શરૂ કરો પછી શાળા કેમ્પસ અને ત્યાંથી બહાર પહોંચાડો. વિદ્યાર્થીઓ-યુવાનોને સાહસિક બનાવો. કાચબાની જેમ અંગોને સંકેલવાનું મહત્વ સ્વીકારો પણ આકાશમાં ઊડવા માટે પક્ષીની પાંખોને પણ અચૂક યાદ રાખો!
સાહસ એક ગુણ છે, મૂલ્ય છે. તેને માત્ર યાદ રાખવા કરતાં વ્યવહારમાં મુકવાની જરૂર છે. આ માટે શિક્ષકો, વાલીઓ અને સંચાલકો સૌથી પહેલા ‘હિંમતવાન’ બને! પછી તો આવી પ્રવૃત્તિઓ અને તાલીમ માટેની એજન્સીઓ તૈયાર જ છે. એટલે નવા વર્ષમાં કંઈક નવા સાહસો કરજો મિત્ર!
Comments